Sunday, February 13, 2011

ગોવાળીયો વિશે

r3p2rabari.jpgપ્રથમ તો આપ સવઁને બાબુ  ઉફેઁ બિમલ રબારીના પ્રણામ..આમ..ગુજરાત અને ભારત જ્યારે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે ત્યારે આપણે વિકાસની આ હોડમાં હાંસીયામાં ધકેલાઈ જઈએ હરગીજ આપણને પરવડે તેમ નથી …બસ એ વિચારે…આ બ્લોગના સજઁન માટેનું પ્રેરકબળ પુરું પાડયું છે…આપણા વિકાસ સામે અનેક પડકારો સમસ્યાઓ ખડા થયા છે..આપણે હજી વિકાસની નવી કેડીઓ કંડારવાની છે….તો અહીં આપણે વાતો કરીશું ગોપાલકોની સમસ્યાઓની ….વિકાસગાથાઓની …અને હજી પણ સ્થાયીજીવન ગુજારતા નથી થયા એવા બાંધવોને શી રીતે મદદરુપ થઈ શકાય..તે વિશે…..ગોવાળીયાની આ જગત જાત્રાથી સવઁ માલધારી યુવાનોને હું  એક મંચ પર લાવવા માગું  છું .આપનો સવઁની હુંફ સહકાર મને મળશે એ આશા સહ…………જય વડવાળા 
……………………………………………………………………………..
                            2005050800060101.jpg        
                                     ઝાંપે ગાવડી
                                  ભાંભરી બળી ગઈ
                                       સાંજની વેળા

ખરખરતાં ઝરણાંને સંગ સંગ અમે

r7p1rabari.jpgવન-વન ભટક્યાને ..રણ રણ રઝળ્યા.
ખરખરતાં ઝરણાંને સંગ સંગ અમે
વાંસળીના સુર થઈ વહ્યા..!
વાડ વાડ વેલે વેલે..વસુને ખોળે
ટાઢ તાપ-તડકાને ઓઢી અમે
ક્યારેક વાદળ થઈ વરસ્યા..!
તરસ જીરવાતી નથી હવે સહેવાતી નથી
રણમાં રઝળીને સદીઓ વિતાવી અમે
બાગમાં આવીને હવે ભટક્યા…!
યુગોની વેદનાનો કોઈ તો આરો હશે.!
આવનારો યુગ હવે મારો હશે..મારો હશે..!
તુટ્યું સપનુંને અમે ઝબક્યા….!?
***********************************
આ લાલ ચણોઠી નથી
આ તો છે….એકલવ્યના
ક્પાયેલ જમણા હાથના
અંગુઠાથી ફેલાયેલ ….
રુધીરના ઉગી નીક્ળેલ રકતબિંદુઓ……….
અને આ કાળું આંખ જેવું દેખાય એ
બીજું કંઈ નહીં.
દ્રોપદી સ્વંયવરમાં.
કણઁના હાથે
ના વિંધાઈ શકેલ
માછલીની આંખ..
કહું છું સ્પર્શો મા…..
ઓ યુગ પંડીતો ….
એને સ્પર્શો મા….
……………………..*******……………………..
કવિતામાં એ હવે અવરતરતી નથી.
ગઝલનું રુપ હવે ધરતી નથી.
સાવ મુંગી થઇ ગઇ છે આ લાગણી,
હું ઢંઢોળું તોયે સળવળતી નથી.
કવિતામાં એ હવે અવરતરતી નથી
માથે મટુકી મહીંની મેલી,છાતીએ ચીતરાવી મોર
ઉર્વશી મેનકાને શરમાવે એવી,અહીરની ક્ન્યાનો ક્લશોર.
મહીં લ્યો કોઇ મહીં સાદ દેતી નથી…
કવિતામાં એ હવે અવરતરતી નથી
ઘેરદાર ઘાઘરામાં નથી અંબરનો વૈભવ,ગોરી કાયાથી ગયું છુંદણાનું કામણ.
ઓઢણીની કોરે ચીતરેલા કાન કુંવરને,તુંટ્યું કીનખાબી ક્મખાનું સગપણ.
વાલાને વઢીને કે”જો  કે”તી નથી…
કવિતામાં એ હવે અવરતરતી નથી
ઘમ્મર વલોણાનો ઘુંઘવતો નાદ ગયો,કડલા કાંબીને જેરનો નિનાદ ગયો.
ગયા હાથ વાયરાને પગપાન ગયા,હૈયે રમતા”તા સદાએ કાન ગયા.
ધરણીની ધ્રુજાવે એમ રાસ રમતી નથી….
કવિતામાં એ હવે અવરતરતી નથી

વિકાસ અને આપણે

   સાક્ષરતા કોઈપણ સમાજની વિકાસગાથાની પાયાની ઈંટ છે.સાક્ષરતા મારે મતે  અક્ષર જ્ઞાન નહીં કે તેનો અર્થ પોથી પંડીતાઈ પણ નહીં પણ વિશાળ અર્થમાં કહી તો સારા- નરસાને અર્થ ગ્રહણ કરી શકવાની  વિવેકબુદ્ધી યુક્ત ક્ષમતા કે કેળવણી.બીજા અર્થમાં કહીએ તો  સાક્ષરતા માણસ -સમાજને સાક્ષાત્કાર તરફ દોરી જાય તો જ તેનો અર્થ સરે….કદાચ આજનું શિક્ષણ ઘણે અંશે વ્યવસાયિક પણ થઈ ગયું છે.કદાચ સમયની માંગ છે.માહિતી, ટેક્નોલોજી અને આધુનિકીકરણનો યુગ છે.ભારતીય સમાજ બે મોટા વિભાગોમાં વહેંચાઈ ગયો છે….એક તો એ સમાજ જેની પાસે માહિતીનો ઢગ છે.જે આ માહિતીને આધારે સિધ્ધીના સોપાનો સિધ્ધ કરે છે અને એ પણ રોકેટ ગતિએ બીજો એ સમાજ જેની પાસે માહિતી નથી અને માહિતીના અભાવે સમાજનો એક વર્ગ મુખ્ય પ્રવાહમાંથી દૂરને દૂર ધકેલાતો જાય છે અને આમાં વર્ણ વ્યવસ્થાના વાડાઓ તો ખરા જ .ઉપલક નજરે કદાચ આપણને લાગે કે જ્ઞાતિનો દરજ્જો સુધર્યો છે.તેના કોટીક્રમિક માળખમાં ગતિશીલતા આવી છે.પણ હકીકત આધારીત સંશોધનોએ પુરવાર કર્યું છે.કે ભારતીય સમાજમાં જ્ઞાતિએ ઉભી ગતિશીલતા નહીં પરંતુ આડી ગતિશીલતા કરી છે.જ્ઞાતિ મંડળો., સમિતીઓ, મેળાવડાઓ એ જ્ઞાતિની આવી આડી ગતિશીલતાની નિશાની છે.          
              આમાં આપણો સમુદાય કયાં ? જો કે માત્ર આ રીતે કહેવું એ એક પ્રકારની સંકુચિતતા જ છે.કારણે આપણે પ્રથમ તો ભારતીય જ છીએ પણ અહીં કહેવું એ માટે યોગ્ય છે કે આપણા સમુદાયનો વિકાસ આખરે ભારતીય સમુદાયનો વિકાસ છે.ગુજરાતનો વિકાસ છે અને ગુજરાત કે ભારતના વિકાસમાં આપણે કેટલો ફાળો આપ્યો…? કેટલો ફાળો આપી શકીએ ? અને જો નથી આપી શકતા તો તેના અવરોધક પરિબળો ઉપર પણ નજર કરવી રહી. આવા પરિબળો કોઈ પણ સ્વરૂપે હોય ચાહે સામુદાયિક , સામાજિક , આર્થિક કે રાજકીય સ્વરૂપે હોય.આમાંના અમુક અવરોધક પરિબળો આપણે સામુદાયિક પ્રયત્નો થકી જાતે પણ દૂર કરી શકીએ તેમ છીએ..કારણ કે સમાજમાં થોડોક વર્ગ આર્થિક રીતે અગ્ર છે એમાં શંકાને સ્થાન નથી. શિક્ષણ ક્ષેત્રે પણ કાઠું કાઢ્યું છે એમ આપણને લાગે પણ ખરેખર આ બાબતે કોઈ સંશોધન કે સર્વે કરવામાં આવે તો આ ખ્યાલ પણ કદાચ ભ્રામક નીકળે.ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો આ ક્ષેત્રે ગુજરાતમાં આશરે ૫ થી ૭ લાખની વસ્તી ધરાવતા આપણા સમુદાયનું પ્રતિનિધિત્વ કેટલું ? મફતભાઈ રણેલાકર , કે દાદુ રબારી જેવા આંગળીને વેઢે ઘણી શકાય તેટલા લેખક અને કવિ વળી માલધારી ભાઈ બેનોની બાનીમાં જે જોમ જુસ્સો છે..કે રૂઆબ છે તે ગુજરાતી સાહિત્યને અને ગુજરાતી લોકબોલીને દિપાવી શકે એટલી ક્ષમતા ધરાવે છે. પોતાના આરાધ્ય દેવને વગડાનો વિહામો (વિસામો) કે અડધી રાતનો હોંકારો કોણ કહી શકે… વિચારજો જરી …….માત્ર બે શબ્દોમાં કેટલી મોટી વાત? અમે લગ્નના ફટાણા કે લોકગીતની મજા તો કંઈ ઓર જ ઉત્તરાનો રાસડો લઈ ઝુમતી માલધારીબેનો ને કયારે જોઈ છે…ઉત્તરા બીજી કોઈ નહીં અભિમન્યુની પત્ની અને …..એણે આણે જતા રતનાજી રાયકાની વાતનો રાસ…. દિલ્લી હસ્તિનાપુર સેર રતનાજી (૨)..કૌરવ પાંડવે જુદ્ધ (યુદ્ધ) માંડ્યા રતનાજી (૨)…સોના ટકોને પાન બીડ્યાં રતનાજી (૨) બાળા અભિમન્યુ ઝડપ્યા રતનાજી.(૨) આશરે એક કલાક અલગ લય અને અલગ તાલ લઈ ચાલતો આ રાસડો માણવા જેવો ખરો…મેં બહુ નાની ઉંમરે સાંભળેલો રાસડો મને આછો પાતળો યાદ છે.કોઈ માલધારી બહેન ભાઈ જોડે આખો રાસ હોય તો મને મોકલજો …….કહેવાનો અર્થ એ છે કે આપણી પાસે ગોપ સંસ્કૃતિનો એક સમૃધ્ધ વારસો છે. જે લોક સાહિત્યમાં પણ ક્યાંક નજર અંદાજ થયો છે કે આંખ આડા કાન કરવામાં આવ્યા છે.? એ એક સવાલ છે….   વધુ હવે પછી   

માલધારીઓના સપનાઓ અને સમસ્યાઓ

r5p1rabari2.jpg     આધુનિક જગત એક નાનું ઘર બની રહ્યું છે.આધુનિક સંચાર માધ્યમોથી એક માણસ બીજા માણસ થી નજીક આવ્યો છે.સામાજિક ગતિશીલતા વધી છે.સમાજ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે અને માલધારીઓ પણ જગતનું એક અવિભાજ્ય અંગ છે.તો સ્વાભાવિક છે કે એમની આંખોમાં પણ કંઇ કેટલાંય સ્વપ્ન આકાર પામી રહ્યાં હોય.સમાજશાસ્ત્રીય પરિપેક્ષ્યથી જોઇએ તો માલધારી જ નહીં પણ સમગ્ર ભારતીય સમાજ સંક્રાંતિકાળની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે અને ભારતીય સમાજ હાલ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે એ સંક્રાંતિકાળની સમસ્યાઓ છે પણ અહીં આપણે માલધારીઓના અનુસંધાનમાં અને માલધારીઓને વિશેષ રુપે સ્પશતીઁ  સમસ્યાઓનો વિચાર વિમશઁ કરવો રહયો.ઉપરોક્ત મુદ્દાની સમસ્યા એટલા માટે કરવી રહી કે આપણી સમસ્યાઓ ભલે અલગ રહી,પણ આપણે વિકાસ કરવો હોય તો રાષ્ટ્ના મુળભુત પ્રવાહથી અલગ રહી નહીં કરી શકીએ..આ એક સત્ય છે જેની અવગણના કરી શકાય નહીં.
      માલધારીઓને આજે ભણવું છે , આગળ વધવું છે.વરસોની રઝળપાટથી છુટવું છે.ડોકટર ઇજનેર થઈ સ્વપ્નને સાકાર કરવા છે.ખુણેખાંચરે આ ફળીભુત થઈ રહ્યું છે.પણ સામે નગ્ન સત્ય એ પણ છે કે કાબેલીયત હોવા છતાં સમય સંજોગના હિસાબે ઘણા યુવાનો આ સપનાથી વંચિત રહેવા પામે છે.
      કંઇક અંશે ક્યાંક આપણાં સપના સાકાર થયા હોય એમ આપણને ઉપલક નજરે જોવા મળે છે.શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે એ હકીક્ત છે.સમગ્ર સમાજની વસ્તીને ધ્યાનમાં રાખીએ તો આ આંકડાઓ ઉડીને આંખે વળગે એટલા સારા તો નથી જ.ક્યાંક કશાકની ઉંડે ઉંડે ખોટ સાલે છે.આ ખોટ પુરવાનું સ્વપ્ન માલધારીઓની આંખમાં રમતું થાય તો કદાચ એ આવનારા દિવસોમાં હકીક્તમાં પરિણમે..એ માટે જાણવું જરુરી છે કે આપણે ભોગવવી પડતી સમસ્યાઓના મૂળમાં શું છે ? એને મુલવી વિશ્લેષણ કરવામાં આવે અને જવાબદાર પરિબળૉને સામે લાવવામાં આવે તો જ સમસ્યાઓને નિવારવાનો યોગ્ય ઉકેલ મળી રહે.આ માટેની પૂવઁભુમિકા માલધારીઓ એ પોતે જ બાંધવાની છે,કારણ કે “પરિસ્થીતિની જેવી વ્યાખ્યા આપીએ એવું જ પરિણામ આવે છે”.રાષ્ટ્માં થયેલ હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિનો કોઇ વિશેષ લાભ આપણે મેળવી શક્યા ના હોવાથી આપણી સમસ્યાઓ પ્રત્યે જાગ્રત થવું એજ આખરી ઉપાય છે.આપણી સમસ્યાઓને ભોગોલીક અને સામાજીક પરિપ્રેક્ષ્યમાં જોઇશું તો વધારે યોગ્ય રીતે સમજી શકીશું.    
      કોઈ સામજિક સમુદાયના વિકાસ માટે જો કોઈ મહત્વનું પરિબળ હોય તો તે સ્થાયી જીવન છે..સમુદાયનો વિકાસ એના સ્થાયી રહેણાક ઉપર ઘણો બધો આધાર રાખે છે.માલધારીઓ સ્થળાંતરીત અને ભટક્તું જીવન હાલ પણ ગુજારે છે.પરિણામે અનેકવિધ સમસ્યાઓનો ભોગ આપણે બન્યા ..સમાજ નિરક્ષર રહેવા પામ્યો .આધુનિક યુગમાં સમાજના વિકાસ માટે શિક્ષણ પહેલું દ્વાર છે.શિક્ષણનો અથઁ રોજગાર મેળવા પુરતો નથી પણ એક સમજણ વિકસાવવાનો છે.સામુદાયિક વિકાસ માટે સ્થાયી વસવાટ જરુરી છે..અને એ માટે ના પ્રયત્નો વધારે વેગીલા બને એવી અપેક્ષા અસ્થાને નથી.કારણ કે પરિસ્થીતી જ્યારે પણ બદલાય છે સામે સમસ્યાઓ તો આવે જ છે સ્વરુપ ભલે જુદું હોય પણ આપણે એની સામે લડવાની તૈયારી અગમ દ્રષ્ટીથી રાખવી જ રહી.
     સમયાંતરે માલધારીઓ સ્થાયી થયા પણ ત્યારે ભારતીય સમાજમાં ઔધોગીકરણની પ્રકિયા પુરઝડપે ચાલી રહી હતી.ભારત વિકાસના માર્ગે હરણફાળ ભરી રહ્યું હતું.આધુનીકરણ ઔધોગીકરણના પરિણામે શહેરીકરણ થઈ રહ્યું હતું સામે ગામડું હરિતક્રાંતિના બીજારોપણ કરી રહ્યું હતું.આધુનિક સાધનો ટ્રેકટર,ટ્યુબવેલ અન્ય યાંત્રિક સાધનો , હાઈબ્રિડ બિયારણો,સિંચાઈ યોજનાઓને પગલે પિયત જમીનનું પ્રમાણ વધ્યું .કિસાન ત્રણ સિઝન લેતો થયો.લાંબો સમય પડતર રહેતાં ખેતરો ખેડાઈ જવા લાગ્યા ,ત્યારે માલધારીઓ માટે પશુપાલન અભિશાપ રુપ બની રહયું અને આપણે  શ્વેતક્રાંતિના મીઠાફળ ચાખી શક્યા નહીં.ગ્રામીણ ક્ષેત્ર પશુપાલકો માટે પાયાની સમસ્યા બન્યા સામે પક્ષે અન્ય વ્યવસાયોમાં જોડાવવા નિરીક્ષરતા આડે આવી.માલધારીઓનું જીવન દોહ્યલું બન્યું.પશુપાલનનો વ્યવસાય મરવાના વાંકે જીવી રહ્યો હોય એવી સ્થિતિનું નિમાઁણ થયું.ભેલાણની સમસ્યાઓ અને કેસોનો ભોગ અવારનવાર બનવું પડ્યું જે આથિઁક અને આંતર સામુદાયિક સબંધોની  વચ્ચે પણ અડચણરુપ બન્યા વિના રહી શક્યા નથી.
    વાત રહી ગોચરની જમીનની તો ઘણી જ્ગ્યાએ ગોચરની જમીન પર દબાણ કરવાના કે હડપ કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.પણ અહીં યક્ષસવાલ એ છે કે ગોચરની કેટલી જમીન સપાટ છે.નોંધપાત્ર કિસ્સામાં ઉબડ-ખાબડ કે ખરાબાની જમીન ગોચર રુપે બક્ષવામાં આવી છે.જેને સમથળ કરવાની જ્વાબદારી કોઈ પંચાયતે નિભાવી નથી.ક્યાંક આપણે અન્યાયનો ભોગ બન્યા છીએ.આ તમામ પાયાની સમસ્યાઓ છે જેને સમાજના નોંધપાત્ર સંખ્યાના લોકોને અસર પહોંચાડી.પરિણામે માલધારીની મીટ મંડાણી શહેર ભણી માલધારીઓ શહેરમાં આવ્યા પણ સમસ્યાઓ નવીન પરિસ્થિતિમાં નવીન સ્વરુપે સામે આવી.કારણ કે અહીં પશુપાલન કરવું એટલું સહેલું ન હતું. ઢોરઢાંખર હતા પણ એને નિભાવવા બાંધવા યોગ્ય જગ્યાનો અભાવ હતો.બીજી તરફ શહેરો દિનપ્રતિદિન વિસ્તરી રહ્યાં..વધતી જતી વસ્તીની ગીચતા ..વધતા જતા ટ્રાફીક વચ્ચે રખડતા ઢોરોની સમસ્યા પેદા થઈ.હાઈકોટઁ સુધી રજુઆતો થઈ અને હાઈકોટઁના હુકમથી આપણે વાકેફ છીએ.અને સાથે સાથે મ્યુનિસિપલ કોપોઁરેશનનો ડબ્બો તો આપણે કેમ વિસરી શકીએ? બીજી એક સમસ્યા પણ અવગણી શકાય નહીં સફેદ ક્રાંતિના પરિણામે ગ્રામીણ ખેડુતોના પુરક વ્યવસાય તરીકે આંખે ઉડીને વળગે એવો વિકાસ પશુપાલનનો થયો.સફેદક્રાંતિની ચરમસીમાએ ,સહાકારી મંડળીઓના વિકાસની સાથે સાથે દુધના પેકીંગ અને દુધની બનાવટોએ શહેરી બજારને પકડી પાડ્યું.માલધારીઓના દુધના ધંધાને શહેરોમાં મોટો ફટકો પડ્યો.ત્રસ્ત અને ભાંગી ગયેલા માણસના પગ ક્યાંક અવરે રસ્તે ફંટાયાના કિસ્સા પણ બન્યા.શહેરની સામાન્ય પ્રજાને માલધારી જાણે અજાણ્યે કઠવા લાગ્યો..અહીં નોંધવા જેવી બાબત એ છે કે આપણે એક એવી કલાને ગુમાવી જે જગતમાં આપણી ઓળખ બનીને બેઠી છે.આપણે કલાને રોજગારમાં રુપાંતરીત કરી શક્યા નહીં .કારણૉ પરિબળૉનું વિશ્લેસણ કરવું રહ્યું.ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કદાચ હજી વધારે મોડું થયું નથી.બજારમાં હજી આપણા રબારી ભરતની માંગ છે.”વાણીયાની દિકરીને મેં રબારી ભરત ગુંથતી નજરે જોઈ છે.”આપણે ક્યાં થાપ ખાધી પ્રભું જાણે.!
         આમ તમામ સમસ્યાઓ વચ્ચે પણ માલધારીની વિકાસ ગાથા ચાલું રહી.પણ સમાજમાં નિરક્ષરતા નોંધપાત્ર પ્રમાણમાં રહેવા પામી. ભૉગોલીક સામાજિક કારણૉએ આમાં અગત્યનો ભાગ ભજવ્યો અને જે લોકો શિક્ષણ લેવા સ્કુલ સુધી જઈ શક્યા એમાં પણ અધવચ શિક્ષણ છોડી દેનાર માલધારી બાળકોની સંખ્યા બહોળી છે.સ્ત્રી શિક્ષણનું પ્રમાણ તો નહીવત કહી શકાય.આધુનિક યુગમાં સ્ત્રી શિક્ષણ સિવાય સામાજિક ઉત્થાનની ગાથા લખી શકાય નહીં.અને માલધારીઓ પણ એ ક્ષેત્રે જાગ્રત બને કે કન્યા કેળવણીની અવહેલના હવે પોષાય તેમ નથી.નહીતર આપણૉ વિકાસ રુંધાઈ જશે/રુંધાઈ રહ્યો છે.નિરક્ષરતા અનેક સમસ્યાઓની જન્મદાત્રી છે.એ વાત થી મોટા ભાગના માલધારીઓ અજાણ નથી..અહીં યાદ આવે છે ઈશ્વર પેટલીકરનું એક વિધાન ” ઉંઘતાને જગાડવો સહેલો છે.જાગતાને જગાડવો સહેલો નથી.જે સમાજ પછાત હોવા છતાં પોતાના ભુતકાળના વારસા પ્રત્યે ગવઁ લે ત્યાં સામાજિક સુધારણાનું કામ કરવું અસાધારણ શકિત માંગી લે છે.” સમગ્ર ભારતીય સમાજના અનુસંધાનમાં ટાંકેલું આ વિધાન માલધારીઓના પરિપેક્ષ્યમાં પણ લઈ શકાય.એમ છે કારણ કે કેટલીક સમસ્યાઓ આપણે જાણે અજાણ્યે સજીઁ  હોય તો તે તરફ પણ દષ્ટીપાત કરવો રહ્યો.ક્યારેક આપણા મનોવલણૉ પુવઁગ્રહો તો આપણા વિકાસની આડે તો નથી આવતાને ? આપણા વિકાસને રુંધાતા તો નથી ને ? અને આ માટે આપણે   ” લોક જેવાની માનસિકતા” બદલવી પડશે? આપણૉ શિક્ષિત યુવાન પણા આ પુવઁગ્રહથી પીડાય છે એમ હું અંગત રીતે માનું છું.
           સમાજને વિકાસની વાટૅ આગળ વધારવા માટે બળ અને સુદ્રઢ નેત્રુત્વની પણ જરુર છે.કદાચ સદીઓથી માલધારીઓને એ સાંપડ્યું નથી..ક્યાંક પ્રયત્નો થયા છે.તો એકલા પડી જવાનો અહેસાસ થયો હશે.અહીં માત્ર રાજકીય નેત્રુત્વની વાત નથી.સામાજિક અને ધામીઁક નેત્રુત્વની પણ વિકાસમા અગત્યની ભુમિકા હોવી ઘટે.ધામિઁક નેત્રુત્વ વધારે અસરકારક સાબિત થઈ શકે તેમ છે..સામાજિક નેત્રુત્વ કોના હાથમાં હોવું ઘટે એ આપણે પોતે વિચારવાનું છે અને હું માનું છું ત્યાં સુધી માલધારી યુવાનો આ બાબતે ના સમજી શકે એટલા ના સમજ કે ગમાર પણ નથી.પણ ક્યારેક મને એ સમજાતું નથી કે આગવી કોઠાસુઝ ધરાવતી જાતિ ક્યાં થાય ખાય છે? સમાજને સબળ નેતાગીરી પુરી પાડવા શિક્ષીત અને સમજુ યુવાનોએ આગળ આવવું પડશે.માત્ર શિક્ષણ સમાજને વિકાસનો રાહ ના બતાવી શકે ,સાચી દિશાની સમજણ પણ જરુરી છે.માલધારીઓના સપનાઓને સાકાર કરવાનો યોગ્ય રાહ મળી રહે તે સારું “રબારી” માંથી “રાહબરી” બનવું પડશે,નહીંતર આપણે સમાજના મૂળપ્રવાહમાંથી અલગ થઈ જઈશું એ ભયસ્થાનને નકારી શકાય નહીં.
         માલધારી સમાજ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે અને આ ઘેરાયેલી આંખમાં ક્યારેક આપણા સોનવરણાં સપનાં આપણને ભારરુપ – બોજારુપ લાગે છે અને આ ભારને ઉંચકીને આપણે વિકાસપથે ચાલવાનું  છે.વિકાસની હજી કેટલીય કેડીઓ કંડારવાની બાકી છે.સમાજનો વિકાસ આપણા હાથમાં છે..કારણ કે સમાજના હાથ પગ આપણે છીએ..આ સમસ્યાઓ પ્રત્યે જાગ્રત થવાનો સમય પાકી ગયો છે.અસ્તુ            JAY MAA SEMOJ JAY GOGA

Wednesday, February 9, 2011

ૐ નમો નારાયણ ! જય વાળીનાથ !

સત ગુરુ બળદેવગીરી બાપૂના ચરણારવિંદ સેવા ના કૃપાપાત્ર એવા દેસાઈ તેજમલભાઇ રાંમશીભાઇ, ગામ-બુટ્ટાપાલડી, તા.જી.મહેસાણા ના ભગવાન સદાશિવ ભોળાનાથે મહાશક્તિ,મહામાયા,આદિ શક્તિ, મા ભગવતિ કે જે સમસ્ત બ્રહ્માંડ ની ઉત્પતિ ના કારણ રુપ છે તેમ ની એકલતા દુર કરવા ના પ્રયોજન ની સિધ્ધી માટે શિવ એટલે કે સદાય કલ્યાણ કારી ભગવાન ત્રિ-નેત્ર શામ્બ (શંકર) દ્વારા જે દૈવી સમાજ ની ઉત્પત્તિ થયેલ છે એવા રબારી સમાજ ને મારા કોટી કોટી વંદન........ દરેક સમાજ નો પોતાનો આગવો ઇતિહાસ છે. તો પછી જે સમાજ ની ઉત્પત્તિ ભગવાન સદાશિવે પોતે કરી હોય તે સમાજ ના દૈવિ ઇતિહાસ નું નિરૂપણ આ પવિત્ર શ્રાવણ માસ માં આલેખવા નો લોભ જતો ન કરી શકું તે સ્વાભાવિક છે. પ્રલય અવસ્થા માં સમસ્ત બ્રહ્માંડ આધ શક્તિ મહામાયા માં શૂન્ય સ્વરૂપે સ્થિત હતું. આ મહામાયા એ જ્યારે શ્રુષ્ટિ રચના ની ઇચ્છા કરી ત્યારે તેઓ દ્વારા ક્રમશ: બે પિંડ ની રચના કરવા માં આવી. આ પિંડ માંથી ક્રમશ: બ્રહ્મા અને વિષ્ણું પ્રગટ થયા. આધ શક્તિ દ્વારા તેઓને પોતાની સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મુકવા માં આવ્યો. પરંતું તે બંને એ આધ શક્તિ મહામાયા પોતાની ઉત્પન્ન કર્તા મા હોવાથી તેમની સાથે લગ્ન નહીં કરીએ તેમ કહી તેમની આજ્ઞા નું પાલન ન કર્યું, આથી આધશક્તિ દ્વારા તે બંને નો સંહાર કરવા માં આવ્યો. આમ બંને પુરુષો ને ઉત્પન્ન કરવા છતાં મહામાયા નો ધ્યેય સિધ્ધ ન થતાં તેઓ દ્વારા ત્રીજા પિંડ ની રચના કરવા માં આવી તથા તેમાં થી શિવ સ્વયં પ્રગટ થયા. મહામાયા દ્વારા તેઓ ને આજ્ઞા કરવા માં આવી કે તેઓ તેમની સાથે લગ્ન સંબંધે જોડાય નહિતર આગળ બ્રહ્મા તથા વિષ્ણું જેવી દશા તેમની પણ થશે ! ભગવાન ભોળાનાથે ક્ષણ ભર થંભી તેમની સાથે લગ્ન સંબંધે જોડાવા પહેલાં બે વચનો આપવા કહેતાં શક્તિ તે વચનો આપવા સંમત થયાં. શિવ દ્વારા પહેલું વરદાન પૂર્વે સંહાર થયેલા બ્રહ્મા તથા વિષ્ણું ને સજીવન કરવા માટે માગવા માં આવ્યું. બીજા વરદાન માં મૂળ આધશક્તિ ને શિવે પોતાના માં સમાઇ જવા ની માગણી કરી. આમ મૂળ આધશક્તિ શિવ માં સમાઇ જતાં જે પા(૧/૪)–રતિ સૂક્ષ્મ પ્રકૃતિ સ્વરુપ બચ્યું તેની સાથે તેમણે શાસ્ત્રોક્ત દોષ મુક્ત લગ્ન કર્યાં. આમ શિવ અર્ધ નર-નારિશ્વર થયા. અને ત્યાર બાદ બ્રહ્મા દ્વારા માનસી સૃષ્ટિ ની રચના નું કાર્ય આરંભવા માં આવ્યું. ભગવાન સદાશિવ હજારો વર્ષો સુધી કૈલાસ પર્વત પર અસમ્પ્રજ્ઞાત સમાધિ અવસ્થા માં રહેતા હતા. શિવ ની તપસ્યા દરમ્યાન આશ્રમ માં આધશક્તિ મહામાયા એકલાં પડી જતાં. શિવ લોક માં શિવ-શક્તિ સિવાય અન્ય કોઇ જીવ પણ ન હતો . અને વળી તેમાં ય પાછી ભગવાન શંકર ની આ લાંબી તપશ્ચર્યા ! આધશક્તિ થી આ એકલતા સહન ન થઇ શકી. એક વાર શિવ જ્યારે તપશ્ચર્યા પરવારી આશ્રમમાં આવ્યા ત્યારે તેઓ એ શિવ ને આ અંગે ફરિયાદ કરી તથા કહ્યું કે હે પ્રભુ ! આપ તો કૈલાસ પર હજારો વર્ષો સુધી તપસ્યા માં લીન થઇ જાઓ છો; અને હું માત્ર એકલી-અટુલી આ આશ્રમ માં રહું છું,આથી મને એકલવાયાપણું સાલે છે. મારો સમય આનંદમય રીતે પસાર થાય અને મને અન્ય કોઈનો સહવાસ મળી રહે તે સારું આપ કોઇ જીવ ઉત્પન્ન કરો ! સદા શિવે પોતા ની યોગમાયા થી સતી નું મન રંજન કરવા જીવ તો ઉત્પન્ન કર્યો, પણ કયો ? પંચ-પગી સાંઢણી ! પંચ-પગી સાંઢણી ને જોઇને દેવી એ ચિંતાતુર થ ઇ શિવ ને કહ્યું; “ અરે પ્રભુ ! આપે તો આ ઢંગધડા વગર નો અબોલ જીવ પેદા કરી ઉપર થી મારા દુઃખ માં વધારો કર્યો ? હવે આ જીવ ની સાર સંભાળ રાખી શકે અને મારી સાથે વાતચીત પણ કરી શકે એવો મારા સ્થૂળ દેહ જેવો જ જીવ ઉત્પન્ન કરવો પડશે ! અને સતિ ની આ વિનંતી સાંભળી શામ્બ-સદાશિવ દ્વારા પંચ-પગી સાંઢણી નો રખેવાળ એવો બાખરવાળ ઉત્પન્ન કરવા માં આવ્યો. શંકર ભગવાન ના અનેક નામો પૈકી નું તેમ નું મુખ્ય નામ શામ્બ હોઇ તે શામ્બલ- શાંબલ- શાંબળ- શાંબળ કે શાંબોળ કહેવાયો. આમ આધશક્તિ કે આધશકત (મુમ્માદેવિ) ની વિનંતી ને માન આપી શિવ દ્વારા સૌ પ્રથમ ઉત્પન્ન થયેલ જીવ સાંઢણી તે મહાદેવિ નું વાહન બન્યું. વળી તે અત્યંત પવિત્ર અને શક્તિ નું વાહન હોઇ સતી તરીકે માન્યતા પામ્યું. તેનું દૂધ કે જેમાં અનેક ઔષધીઓ નો રસ રહેલો છે તેનો ઉપભોગ કરવા માટે શાંબળ બડભાગી બન્યો. આમ સમસ્ત માનવ જાત તથા અન્ય તમામ જીવ પ્રજાપતિ બ્રહ્મા દ્વારા ઉત્પન્ન થયા જ્યારે માત્ર રબારી સમાજ નો પૂર્વજ શાંબોળ એકલો જ શિવ દ્વારા ઉત્પન્ન થયો. શાંબોળ પોતે ભોળાનાથ નું સર્જન હોઇ તેના વંશ વૃક્ષ સમાન આ સમાજ માં તેના ગુણ ઉતરતાં આ સમાજ ભોળો, ચારિત્ર્ય વાન, નિષ્પાપ, શિવ ની જેમ સૌનું કલ્યાણ ઇચ્છ્તો, સાત્વિક, એક સંપિલો, મજબુત અને કઠણ બાંધા નો થયો. આજે પણ આખા દેશ માં સમસ્ત રબારી સમાજ મોટા ભાગે ભગવાન શંકર ના પ્રતીક સમ શિવલિંગ ને અચૂક પણે પોતાના દેહ પર ધારણ કરે છે; પછી તે વીંટી માં હોય કે કડા માં હોય! રબારી નો દીકરો જ્યારે ગૌ દોહન કરે ત્યારે અચૂક પણે પોતાની આંગળી પર ની શિવલિંગ વીંટી પર કે કાંડા પર ધારણ કરેલ શિવલિંગ કડા પર દૂધનો અભિષેક કરવો ભૂલતો નથી. આમ આ સમાજ ના સર્જનહાર શિવ હોઇ અને પરંપરાથી સમાજ શૈવ ચિહ્નો ધારણ કરતો હોઇ તેના ઇષ્ટદેવ ભગવાન ભોળાનાથ થયા.

    વળી રામાયણ માં કહેવાયું છે તેમ આ સમાજ ના ઇષ્ટદેવ શિવ પોતે નિરંતર રામ નું જ ધ્યાન ધરતા હોઇ આ સમાજ શૈવમતાવલંબી થવા ની સાથે રામ-કૃષ્ણ ને પણ અત્યંત આદરપૂર્વક ભજતો પરમ વૈષ્ણવ થયો. શૈવ અને વૈષ્ણવ એમ બંને મતો ને સમાન આદર આપવો એ આ સમાજની આગવી વિશિષ્ટતા છે. આ લક્ષણ અન્ય કોઇ સમાજમાં જોવામાં આવતું નથી રબારી સમાજ નો પૂર્વજ શાંબોળ શિવ દ્વારા ઉત્પન્ન થયેલ હોઇ શિવ જેવો મહાયોગી હોય તે સ્વાભાવિક છે. શિવ નો તે વિશેષ પ્રીતિ પાત્ર હતો. શિવ પોતે આ શાંબોળ પોતાની જેમ જ મહાયોગી થાય તેવું ઇચ્છતા હતા. તે ક્લેશ, કર્મ તથા કર્મ ફળ થી સદંતર મુક્ત એવો મુક્તાત્મા હતો. તે અવિદ્યા (મોક્ષ પ્રાપ્તી સિવાય નું મિથ્યા જ્ઞાન),અસ્મિતા (અનુભવ તથા તે માટે ના સાધન માં ઐક્ય ભાવ), રાગ, દ્વેષ તથા અભિનિવેશ (મૃત્યુ નો ભય) જેવા પંચ ક્લેશ થી મુક્ત યોગી હતો. હજારો વર્ષ ના આયુષ્ય વાળો અસંગ અને અભેદ ( જેને સ્ત્રી-પુરુષ નું પણ ભેદ જ્ઞાન ન હોય) હતો. એક વાર સતિ દ્વારા આ શાંબોળ ને નજીક ના નગરમાં બ્રહ્મા દ્વારા નિર્મિત માનવો પાસે ભિક્ષાટન માટે જવા કહેવા માં આવ્યું. શાંબોળ માતાજી ની આજ્ઞા માથે ચઢાવી ભિક્ષાટન માટે સિધાવ્યો. જેને બહારી સંસાર નું બિલકુલ જ્ઞાન નહોતું તેવા અસંગ યોગી એ સંસાર જોતાં તેના માં ભેદ જ્ઞાન આવ્યું . અવિધા, અસ્મિતા, રાગ, દ્વેષ તથા અભિનિવેશ જેવા સંસાર ના પાંચે ક્લેશોએ તેની ઉપર એક સાથે આક્રમણ કર્યું. અને ભોગી જીવો દ્વારા ભોગવાતા ભોગો ભોગવવા ના તેને અભરખા જાગ્યા. તે સંસારી બનવા નાં સ્વપ્ન સેવવા લાગ્યો ! ભિક્ષાટન કરી જેવો તે આશ્રમમાં પ્રવેશ્યો કે તરત જ ભિક્ષાન્ન ભરેલી જોળી તેણે ખૂણામાં બેઠેલાં માતાજી ના ખોળા માં છુટ્ટી ફેંકી ! માતા જી એ કારણ જણાવવા ખુબજ કહ્યું; પરંતુ શરમ નો માર્યો માતાજી ને પોતા ની હૈયાની વાત ન કહી શક્યો ! અને વળી અન્ન પાણી ની આખડી લ ઇ એક ખુણા માં મૌનવ્રત ધારણ કરી ને બેસી ગયો. માતાજી ના ખુબજ પ્રયાસો છતાં તેણે ક ઇ કહ્યું નહીં. ઘણા સમય પછી જ્યારે શિવ તપસ્યા કરી આશ્રમે પાછા આવ્યા ત્યારે તેમણે અત્યંત દુર્બળ અને દુઃખી દેખાતા સાંબળ ની હાલત અંગે તેને પુછ્યું. ઘણા પુછાણ બાદ પણ તેના દ્વારા અન્ન-પાણી ન લેવા નું તથા આમ રીસાઇ ને બેસી જવા નું કંઇ કારણ જાણી શકાયું નહિ. સતી ને પૂછતાં તેઓ પણ કંઇ કહી શક્યાં નહિ. છેવટે શિવે પોતાની યોગ માયા થી આખી વાત જાણી લીધી તથા મહામાયા ને પોતે સાંબળ ને ભિક્ષા માટે નહોતો મોકલવો જોઇતો એમ ઠપકો આપ્યો. શિવે વિચાર્યું કે હવે સાંબળ ને સંસારી બનાવ્યે જ છુટકો ! શિવ દ્વારા સાંબળ ને પરણવા માટે જ્યારે પૂછવા માં આવ્યું ત્યારે પોતાના અંતર ની વાત શિવ મુખે સાંભળતા તે અત્યંત આનંદ માં આવી ગયો. અને આનંદ ના અતિરેક માં તે અટ્ટ હાસ્ય કરવા માંડ્યો. શિવે વિચાર કર્યો કે સાંબળ અત્યંત ભોળો તથા નિષ્પાપ છે. તે સંસાર ની માયા તથા કાવા- દાવાઓ થી તદ્દન અજાણ હોઇ સંપૂર્ણ અને સોળ ગુણ સંપન્ન કન્યા હશે તો જ તેનો સંસાર રૂપી રથ સુખરૂપ પાર પાડી શકશે. કૈલાસ ની તમામ અપ્સરાઓ પૈકી ની એક માત્ર હિરા માં જ આ લાયકાત હતી. પરંતુ હિરા સાંબોળ સાથે પરણવા સીધી રીતે તૈયાર થાય તે અશક્ય હતું. અને વળી સાંબોળ હિરા નામની અત્યંત સ્વરૂપવાન તથા સોળ ગુણ સંપન્ન અપ્સરા સાથે જ પરણવા ઇચ્છતો હતો. એટલે શિવે હિરા સાંબોળ સાથે પરણે તે સારું એક યુક્તિ રચી. શિવે સાંબળ ને બોલાવી સાનમાં સમજાવ્યો કે હું આપણા કૈલાસ ની તમામ અપ્સરાઓ ને તારી પરણવા માટે ની પસંદગી માટે એક લાઇન માં ઊભી રાખીશ. અને ત્યાર બાદ એ તમામ માંથી કોઇ પણ એક નો પલ્લો પકડી લેવા માટે તને કહીશ. એ સમયે હિરા પોતાનું સ્વરુપ બદલી અત્યંત ભયંકર રાક્ષસી જેવી થઇ જશે. આમ જે ભયંકર, ઉગ્ર અને બિહામણા સ્વરુપ વાળી દેખાય તે જ હિરા હશે જેથી તું તેનો જ પલ્લો પકડી લેજે. ભૂલતો નહિ, અને તેમજ થયું. આમ હિરા તથા સાંબોળ સંસારી થયાં. હજારો વર્ષ બ્રહ્મચારી ,તપસ્વી અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધેલા સાંબોળ ના હિરા સાથેના સુખરૂપ દાંપત્ય જીવનથી તેના વંશ ની વૃધ્ધી થ ઇ. આ વંશ હિરાવંશ કહેવાયો. તથા આ વંશ નો સભ્ય હિરાવંશી કહેવાયો. આ હિરાવંશ ની દીકરીઓ હિરા જેવી હિરાવેદ (અત્યંત વ્યવહારું, કાર્ય દક્ષ તથા કોઠાડાહી ) તથા પુરુષો શિવ અંશ સાંબલ જેવા જ પ્રતાપી, ચારિત્ર્ય વાન, ખડતલ, બળવાન ,ઓજસ્વી, નિષ્કલંક તથા ભોળા અને નિસ્પૃહી પાક્યા. હિરાવંશીઓ જંગલોમાં તથા ભૂમિ ના અન્ય તમામ ભાગોમાં ભગવાન શિવ દ્વારા પોતાને સોંપાયેલ ફરજ ના ભાગ રૂપે પોતાની સાંઢણીઓ ને યથેચ્છ રીતે ચરાવવા માંડ્યા. તેના કારણે અન્ય પ્રજાજનો ને તેમના દ્વારા કરાતી ખેતી માં ભેલાણ તથા નુકસાન થવા માંડ્યું. અને તેઓ દ્વારા રાજાઓ (ક્ષત્રિયો) ને ફરિયાદો કરવા માં આવી. પરંતું ભગવાન શિવ દ્વારા ઉત્પન્ન અને આશીર્વાદ પ્રાપ્ત સમાજ ની વિરુધ્ધ કોઇ પણ પ્રકાર ની કાર્યવાહિ કરવી તે તેઓના સામર્થ્ય બહાર ની વાત હોઇ તેઓ ને બળથી નહિ પણ કળથી જ જીતાશે એમ માની રાજાઓ સ્વયં હિરાવંશી ઓ ને વિનંતી થી સમજાવવા સામે ચાલી તેઓની પાસે ગયા. હિરાવંશીઓ ને રાજા દ્વારા વિનંતી કરવામાં આવી કે તમો શિવના વિશેષ કૃપા પાત્ર હોઇ અમારા કરતાં પણ અત્યંત બળવાન છો એ વાત અમો સ્વિકારીએ છીએ. અમારા રાજ્ય શાસન માં રહેતી પ્રજા ખુબજ ઓછી જમીન માં ખેતી કરી તેનું ગુજરાન ચલાવે છે, વળી આટલી ઓછી ભૂમિ માં રાજ નું તથા પ્રજા નું માંડ પૂરું થાય છે એટલે અમારી તમને નમ્ર વિનંતી છે કે તમો રાજ થી દૂર રહો તો સારું, તમો હિરાવંશીઓ જે શરત મુકશો તે અમોને કબૂલ,મંજૂર અને બંધનકર્તા છે.ત્યારે રાજાઓ સાથેની મંત્રણાઓ મુજબ હિરાવંશીઓ એ કહેલું કે “ ત્રણ ભાગ પૃથ્વી અમારી ચોથીયા માં રાજા રાજ કરો ! ” આમ પહેલાં ના જમાનામાં પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા હિરાવંશીઓ નું વિશાળ જંગલો ની જમીનો, ચરાણો, ખેતી ન થ ઇ શકે તેવી પડતર જમીનો તથા ચોમાસુ પાકો લીધા પછી મોટા ભાગની પડતર જમીનો માં પોતાના પશુધન ના ચરાણ થી વ્યવસ્થિત રીતે પાલન થતું. (વસ્તી વધતાં તથા માનવો ની ભૂમિ ભૂખ વધવાની સાથે અગાઉ રાજાઓ દ્વારા હિરાવંશીઓ સાથે થયેલ કરાર ભંગ થવા માંડ્યો. જંગલો કપાતા ગયા અને ચરાણ ની જમીનો ઓછી થવા માંડી. આના કારણે રાજ્ય શાસન (જૂના રજવાડાઓ) દ્વારા કંઇક અંશે માલધારીઓ ના હક્કો જળવાઇ રહે તે સારું ગૌચર તથા ચરાણ ની અને વિડ ની જમીનો નીમ કરવામાં આવી તથા તેમાં અન્ય કોઇનું દબાણ ન થાય તે સારું કાયદા બનાવવા માં આવ્યા. પરંતું માલધારી સમાજના દુર્ભાગ્યે તેમના ભોળપણ અને ભણતર ના અભાવે, તેમને હક્કો ની જાણકારી ના હોઇ કહેવાતા જાગૃત લોકોએ ગૌચર અને ચરાણ ની જમીનો ઉપર કબજા જમાવ્યા અને સરકારોએ પણ સ્વતંત્રતા બાદ રજવાડાઓમાં માલધારીઓ ના હક્કો જે જળવાઇ રહ્યા હતા તેની સામે ઉદાસિનતા સેવી. દબાણ કર્તા સામે પગલાં લેવાની જગ્યાએ દબાણો ને નિયમ બધ્ધ કરી આપી આ પ્રવૃતિને વેગ આપ્યો. આમ માલધારી સમાજ પાંગળો થઇ ગયો.) રાજાઓ દ્વારા ત્રણ ભાગ જમીન હિરાવંશીઓ ને આપવા અંગે ના કરારો થતાં તેઓ રાજ્યની બહાર રહેવા માંડ્યા. આમ તેઓ રાજ-બારી, રા-બારી, રબારી કહેવાયા. વળી પૂર્વે મોટા ભાગની જમીનો જંગલ વિસ્તારની હોઇ તમામ નગરોને જોડતા રસ્તા જંગલો માંથી પસાર થતા. તમામ માર્ગો ના ભોમિયા તથા જંગલોમાં મુક્ત રીતે રાની પશુઓ કે અન્ય કોઇ પણ પ્રકારના ભય થી સદાય મુક્ત રબારી સમાજ જ વિહાર કરી શકતો. આ સમાજ નગરજનો, રાજા રજવાડા તથા સૈન્ય ને ભોમિયા તરીકે સેવાઓ આપતો એટલે તે રાહબારી તરીકે પણ ઓળખાતો. જંગલ માં તેમની સેવા ચાકરી માં આજ ની જેમ કંઇ કચાશ ન રાખતો, ખુબજ ભાવથી અને હૈયાના ઉમળકાથી તેના આંગણે પધારેલ અતિથિ ને પરોણાગત કરાવતો. અને વળી જ્યારે તે અતિથિ વિદાય થાય ત્યારે મોટેરાંઓ ના આદેશ મુજબ આ સમાજના જુવાનિયાઓ આંગણે પધારેલ અતિથિ તે પછી રજવાડા માંથી આવતી બહેન કે દીકરી એકલી પણ કેમ ન હોય તેને કોઇ પણ પ્રકાર ના વિકાર વગર મૂકવા જતો. આ સમાજ પાસે વિકાર તો હતો જ નહીં. રજવાડાઓ ને આ બાબતે પૂરો ભરોસો હતો. અને એટલે જ આ દૈવી ગુણોથી ભરેલ આખા સમાજ ને તેઓ દેવ (શિવ) અંશ થી ઉત્પન્ન થયેલ હોઇ દેવ-અંશી, દેવાંશી કે દેવાશી કહેતા. પાંડવો દ્વારા આ આખા સમાજ ને તે દૈવી સમાજ હોઇ દેસાઈ નો ઇલકાબ મળેલ છે. આમ આ આખો સમાજ દેસાઈ ની પદવી મહા પુરુષોના હાથે પામેલ છે. જે ગૌરવ લેવા જેવી બાબત છે. આ પદવી છેક અંગ્રેજો ના સમય સુધી કોઇ વિશિષ્ટ કામગીરી માટે આપવામાં આવતી. આજે પણ ઘણા સમાજો માં, મુસ્લિમ સમાજ માં પણ મર્યાદિત કુટુંબો અંગ્રેજો કે નજીકના સમય નાં રજવાડાં દ્વારા મળેલ આ પદવી થી દેસાઈ અટક ધારણ કરે છે. બસ આજે આટલું જ........ ફરી ક્યારે આપ સૌના સારા પ્રતિભાવ ની અપેક્ષાએ લખીશું....... આપ સૌને નમ્ર વિનંતી કે લખાણ માં કંઇ ભાષાકીય અશુદ્ધિ જણાય તો તેમાં યોગ્ય સુધારો કરશો